રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

Entries from March 2006

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ સમાંરભ

March 31, 2006 · Leave a Comment

તા-29 મી માર્ચના રોજ ભારતીય વિદ્યાભવન, ચોપાટી (મુંબઈ) ખાતે હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ, ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર અને ઈમેજ પબ્લિકેશનના ઉપક્રમે તેમજ શ્રી હરિન્દ્ર દવેની અગિયારમી પુણ્ય તિથિ નિમિત્તે એક સ્મૃતિ પારિતોષિક અર્પણ સમારંભ યોજાઈ ગયો. આ સમારંભનું સંચાલન શ્રી અશ્વિન મહેતાએ કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્દબોધન જાણીતા કવિ તેમજ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલ અને શ્રી રમેશભાઈ પુરોહિતે કર્યું હતું. આ પ્રસંગે જાણીતા ગઝલકાર શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન' પણ ઉપસ્થિત રહ્યા હતા.   

Categories: News

કાર્ટુનિસ્ટ શ્રી મહેન્દ્રભાઈ શાહની કૃતિઓનું પ્રદર્શન

March 31, 2006 · Leave a Comment

કાર્ટુનિસ્ટ તેમજ ચિત્રકાર શ્રી મહેન્દ્ર ભાઈ શાહના 'જૈન ચિત્રો અને કાર્ટુનો' નું એક સુંદર પ્રદર્શન તા- 25 માર્ચથી તા-31 મે સુધી ન્યુયોર્ક ખાતે Exhibition Hall, Jain Derasar, Itchaca, St. Elmhurst માં યોજવામાં આવ્યું છે. જેનો લાભ ગુજરાતી સાહિત્ય પ્રેમીઓએ અચૂક લેવા જેવો છે. તેમનું પુસ્તક 'અમે અમેરિકન અમદાવાદી' ઘણું જ પ્રસિદ્ધિ પામેલું કાર્ટુન વિષેનું એક કોમેડી પુસ્તક છે. તેમણે દોરેલા રમુજભર્યા કાર્ટુનો રીડગુજરાતી પર નિયમિત રૂપે મૂકવમાં આવે છે જેને વાચકમિત્રો સાહિત્ય વિભાગમાં માણી શકે છે.  

Categories: News

સુધા મૂર્તિના નવા ત્રણ પુસ્તક

March 30, 2006 · Leave a Comment

પ્રાપ્ત થતી માહિતી મૂજબ શ્રી સૂધા મૂર્તિના ત્રણ નવા પુસ્તક 'તમે જ તમારું અજવાળું', 'દ્વન્દ્વ' અને 'બોરસલ્લીની પાનખર' તારીખ 3-એપ્રિલ-2006 થી તમામ બુકસ્ટોલ પર ઉપલબ્ધ બનશે. દેશ વિદેશના કોઈ પણ વાચકને આ પુસ્તકો મંગાવવા હોય તો તેઓ પ્રકાશક શ્રી. આર. આર. શેઠની કંપની, અમદાવાદ નો (ફોન) +91 (079) 25506573 પર સંપર્ક કરીને મંગાવી શકે છે. 'તમે જ તમારું અજવાળું' પુસ્તકની કિંમત રૂ. 75 છે, 'દ્વન્દ્વ' ની રૂ. 100 અને 'બોરસલ્લીની પાનખર' ની કિંમત રૂ. 100 રાખવામાં આવી છે. વધુ માહિતી માટે પ્રકાશકશ્રી ચિંતનભાઈ શેઠનો ઉપરના નંબર પર સંપર્ક કરવો.  

Categories: News

ગુજરાત ટાઈમ્સની ઓનલાઈન આવૃત્તિ

March 30, 2006 · Leave a Comment

અમેરિકા, કેનેડા અને સાઉથ આફ્રીકાના જાણીતા સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સની ઓનલાઈન આવૃત્તિ www.gujarattimes.com પર ઉપલબ્ધ છે. દેશ-વિદેશના તમામ ગુજરાતી વાચકમિત્રો તેનો લાભ લઈ શકે છે. જે રીતે તે પ્રીન્ટ આવૃત્તિમાં છપાય છે તે જ રીતે તેને નેટ પર મૂકવામાં આવ્યું છે. આ સાપ્તાહિક કુલ 36 પાનાનું આવે છે અને તેની સાથે 16 પાનની "સપ્તક" નામની સાહિત્યની પૂર્તિ જોડાયેલી હોય છે. તેના દરેક અંકમાં "વ્યક્તિ પરિચય" અથવા "સંસ્થા પરિચય" નામના કોલમો અંતર્ગત અપાતી માહિતીથી વાચકોને દર વખતે કોઈ નવા સાહિત્યકાર કે સંસ્થાનો વિશેષ પરિચય મળી રહે છે. આ તમામ વિભાગો વાચકો ઓનલાઈન પણ માણી શકે છે.

Categories: News

માતૃ-પ્રદક્ષિણા : એક સુંદર નવું પુસ્તક

March 27, 2006 · Leave a Comment

જાણીતા લેખક શ્રી દીપક મહેતા દ્વારા સંપાદિત 'માતૃ-પ્રદક્ષિણા' નામનું એક સુંદર પુસ્તક ઈમેજ પ્રકાશન દ્વારા હમણાં તાજેતરમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જાણીતા લેખકોના શૈશવા સંસ્મરણો, કુટુંબજીવનની ઝાંખી, સમાજનાં બદલાતાં જતાં વહેણો, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંવાદ-વિવાદ અને સાથે સાથે માતાંના અનેક વ્યક્તિચિત્રો દ્વારા માતૃત્વની માંગલ્યમૂર્તિની પ્રદક્ષિણા કરાવતી અનેક સુંદર વાતોને વણી લેવામાં આવી છે. આ પુસ્તકની કિંમત રૂ. 120 અને કુલ 188 પૃષ્ઠો છે. જાણીતા બધા જ બુક શૉપમાં આ પુસ્તક પ્રાપ્ય છે.  

Categories: News

‘અખંડઆનંદ’ માં લેખો મોકલવા માટે

March 27, 2006 · Leave a Comment

ગુજરાતી સાહિત્યના તમામ પ્રકારને સ્પર્શતા 'અખંડ આનંદ' મેગેઝીન દ્વારા માનવજીવનને ઊંચે લાવનારાં, પ્રેરણા આપનારાં તમામ પ્રકારના શિષ્ટ લખાણો આવકાર્ય છે. આ લખાણો સરળ શૈલીમાં, સુવાચ્ય અક્ષરે, સરસ રીતે આલેખાયેલાં હોવાં જોઈએ. મૂલ્યબોધ, માહિતી તથા રસપ્રદતાને 'અખંડ આનંદ' લક્ષે છે. અનુવાદિત કૃતિ સાથે મૂળ લેખકની સંમતિ મોકલવી.

કૃતિ મોકલતી વખતે લેખકે એની ઝેરોક્ષ નકલ પોતાની પાસે સાચવવી જ. તંત્રીને ઝેરોક્ષ નકલ મોકલવી નહીં. લેખની મૂળ સુવાચ્ય નકલ મોકલવી. અસ્વીકૃત લેખ પરત કરવાની પદ્ધતિ નથી. કૃતિ અંગેના નિર્ણયની જાણ માટે જવાબી પોસ્ટકાર્ડ લેખની સાથે મોકલી શકાય.

લાંબા લખાણો મોકલવા નહીં. લેખમાંના અભિપ્રાયની જવાબદારી સંબંધિત લેખકની છે. પ્રત્યેક લખાણની નીચે લેખકનું પિનકોડ સાથેનું પૂરેપૂરું સરનામું અચૂક લખવું.

લેખ મોકલવા માટેનું સરનામું : 
ભિક્ષુ અખંડાનંદ ટ્રસ્ટ,
આનંદ ભવન, બીજે માળે, 
રૂપમ સિનેમાની બાજુમાં, રિલીફ રોડ,
અમદાવાદ-380 001 (ગુજરાત)
ફોન નં : +91 (079) 25357482  

Categories: News

પુસ્તકાલયમાં વાંચન

March 27, 2006 · Leave a Comment

વડોદરાના જાણીતા 'સરકારી જિલ્લા પુસ્તકાલય', અલકાપુરી વડોદરા ખાતે GCET, GMAT, GRE, TOEFL નાં નવા પુસ્તકો મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વાંચનાલયમાં બેસીને આ પુસ્તકોનો લાભ લઈ શકે છે. આ સિવાય અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓનાં બીજા અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

Categories: News

‘જનકલ્યાણ’ના આજીવન સભ્યપદ ફીમાં ફેરફાર

March 26, 2006 · 1 Comment

છેલ્લાં 55 વર્ષથી સંસ્કારની સરિતા વહાવતા જાણીતા 'જનક્લ્યાણ' મેગેઝીનનું આજીવન લવાજમ હાલમાં ભારતમાં રૂ. 5,500 અને પરદેશમાં રૂ. 12,999 છે જે તા-01-એપ્રિલ-2006થી વધીને ભારતમાં રૂ. 7,000 અને પરદેશમાં રૂ. 15,000 થશે. વાચકમિત્રોને તા. 31-માર્ચ-2006 પહેલાં જોડાઈને આજીવન સભ્ય બનવા વિનંતી. આ માટે વાચકો અમદાવાદ ઓફિસનો (ભારતીય સમય પ્રમાણે સવારના 11 થી 4 સુધીમાં) સંપર્ક +91 (079) 25454545 કરી શકે છે. આ ઉપરાંત jankalyan99@yahoo.co.in પર પણ સંપર્ક કરી શકે છે.   

Categories: News

જાણીતા લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીનું નિધન

March 25, 2006 · 1 Comment

ગુજરાતી સાહિત્યના એક અનુપમ અને અદ્વિતિય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું આજે તા-25મી ના રોજ અમદાવાદ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.

Categories: News