રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

Entries from April 2006

લોક મિલાપ ટ્રસ્ટના શ્રેષ્ઠ પુસ્તકો

April 24, 2006 · Leave a Comment

ગત વર્ષે મહેન્દ્ર મેઘાણી સંચાલિત લોક મિલાપ ટ્રસ્ટ દ્વારા થોડા-થોડા સમયાંતરે ‘અરધી સદીની વાંચનયાત્રા’ પુસ્તકના ત્રણ ભાગો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. લગભગ 650 પાનાંના એક એવા ત્રણ પુસ્તકોમાં પ્રત્યેક પુસ્તકની કિંમત માત્ર રૂ. 75 રાખવામાં આવી છે. આઝાદીના સમયથી લઈને વર્તમાન સમયની અનેક સાહિત્ય રચનાઓથી આ પુસ્તકો છલોછલ ભરેલા છે. આ પુસ્તકો વિશે સુપ્રસિદ્ધ લેખક શ્રી ગુણવંત શાહ કહે છે કે ‘આ પુસ્તકો ઘરની લાઈબ્રેરીમાં હોય તો ગુજરાતી હોવાનું ગૌરવ આપણે લઈ શકીએ.’ સંસ્કાર, પ્રેમ અને માનવતાની વાતો ફેલાવતા સુંદર લેખો, કાવ્યો, ગઝલો અને પ્રસંગ કથાઓનો સંચય આ પુસ્તકોમાં જોવા મળે છે. આ પુસ્તકો તમામ અગ્રગણ્ય બુક સ્ટૉલ પર પ્રાપ્ત છે તેમ છતાં તેના વિશે કોઈ માહિતી lokmilaptrust2000@yahoo.com પર ઈ-મેઈલ કરીને કે +91 (0278) 256 6402 પર ફોન કરીને મેળવી શકાય છે.

Categories: News

આજે વિશ્વ પુસ્તક દિન

April 23, 2006 · Leave a Comment

આજે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિન. લોકોમાં શિષ્ટ વાંચન વધુને વધુ થાય અને લોકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ હેતુથી યુનેસ્કોની પેરિસમાં મળેલી બેઠકમાં તા. 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિન ઉજવણી કરવામાં આવ્યું હતું. આ તારીખ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકારો મિગ્લુએલ.દ.સર્વાન્ટિસ, શેકસ પિયરનું એક જ દિવસે 23મી એપ્રિલ 1616માં અવસાન થયું હતું.

ગુજરાતમાં પુસ્તકાલયોનો પ્રારંભ અંગ્રેજોના આવ્યા બાદ થયો પરંતુ એ પહેલા હસ્તપ્રતો લખવાનું અને સાચવવાનું કાર્ય ભારતમાં દીર્ધકાલીન પ્રવૃતિ હતી. હસ્તપ્રતોના ભંડારો વડોદરા, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે સ્થળે હતાં. આજે ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા પુસ્તકાલયો સાથે 116 ઉપરાંત ગ્રંથાલયોમાં 17,05,800  થી વધુ વિવિધ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો જ્ઞાન પિપાસુઓની જ્ઞાનક્ષુધા છિપાવી રહ્યાં છે.

[સૌજન્ય : ગુજરાત સમાચાર, 23 એપ્રિલ.]

Categories: News

ન્યુજર્સીમાં વિશ્વ ગુજરાતી પરિષદ

April 23, 2006 · Leave a Comment

આગામી તા-7-8-9 જુલાઈના રોજ અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે વિશ્વભરના બે હજાર વધુ ગુજરાતી અગ્રણીઓનું પ્રથમ ગુજરાતી કન્વેન્શન નવનિર્મિત ગુજરાતી એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે યોજાનાર છે જેમાં યુ.કે., દક્ષિણ આફ્રિકા, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, યુગાન્ડા, ઈઝરાઈલ, કેનીયા અને ઓમાન જેવા દેશોમાંથી અનેક ગુજરાતીઓ ભાગ લેશે. આ સંમેલનમાં ડાયરો, ગીત, સંગીત, વાર્તા પઠન, ગઝલ, ધાર્મિક પ્રવચન ના અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂડીરોકાણ, રંગભેદ, ભારત-અમેરિકી સંબંધો, ટુરિઝમ જેવા વિષયો પર રસપ્રદ ચર્ચા કરવામાં આવશે.

Categories: News

આકાશવાણી પર ડૉ. પ્રદિપ પંડ્યાનું નાટક

April 19, 2006 · Leave a Comment

આજે રાત્રે 9.15 કલાકે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી સંદેશ સંસ્કાર પૂર્તિમાં 'પાનખર-વસંત' નામની કોલમ લખતા લોકપ્રિય સાહિત્યકાર ડૉ. પ્રદિપ પંડ્યા 'સાયબરને કાંઠે' નામનું એક સુંદર નાટક રજૂ કરશે. શ્રોતાજનોને તેનો લાભ લેવા વિનંતી.

Categories: News

ચિત્રલેખા સાથે ગુજરાતી ડિક્સનેરીની સી.ડી.

April 18, 2006 · Leave a Comment

તાજેતરમાં પ્રગટ થયેલા ચિત્રલેખા સાપ્તાહિકના તા-24-એપ્રિલ ના અંક સાથે તમામ વાચકોને 'ગુજરાતી લેક્સિકોન' દ્વારા ચિત્રલેખાના જય કોટકની સ્મૃતિમાં ફ્રી ગુજરાતી ડિક્સનેરીની સી.ડી અને સાથે ગુજરાતી સ્પેલચેકર ફ્રી આપવામાં આવ્યું છે. આ સીડીની મદદથી હવે ગુજરાતી ભાષા પર કામ કરનારાઓને 25 લાખ જેટલા શબ્દો શોધવાની સુવિધા, તેમાં સમાનઅર્થી શબ્દો તેમજ વિરોધઅર્થી શબ્દો સરળતાથી મળી રહેશે.

આ સમગ્ર પ્રોજેકટ બનાવનારનો શ્રેય 84 વર્ષના શ્રી રતિલાલ ચંદરયાને જાય છે. તેમણે દેશ-વિદેશમાં ફરીને ગુજરાતી ભાષા માટે અશક્ય કામને શક્ય બનાવ્યું છે. તેમણે આ માટે 20 વર્ષની ભારે મહેનત કરી છે. આ ડિકસનેરી ઑનલાઈન પણ ઉપલબ્ધ છે. તે માટે વાચકો www.gujaratilexicon.com નો લાભ લઈ શકે છે.

ગુજરાતી ભાષા માટે આવું સુંદર કામ કરવા બદલ શ્રી રતિલાલભાઈને કોટિ કોટિ ધન્યવાદ.

Categories: News

નવા પ્રકાશિત પુસ્તકો

April 18, 2006 · Leave a Comment

સાહિત્ય સમાચારમાં અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી સૂધામૂર્તિના ત્રણ પુસ્તકો 'દ્વન્દ્વ, 'બોરસલ્લીની પાનખર' તેમજ 'તમે જ તમારું અજવાળું' હવે તમામ અગ્રગણ્ય બુકસ્ટોલ પર ઉપલબ્ધ છે. આ સાથે એક વિશિષ્ટ પુસ્તક 'થેંક્યું પપ્પા' નું પણ પ્રકાશન થઈ ચુક્યું છે અને તે પણ સર્વત્ર ઉપલબ્ધ છે.

Categories: News

સાધના સાપ્તાહિકની સુવર્ણજયંતી

April 18, 2006 · Leave a Comment

વડોદરા ખાતે ઈસ્કોન મંદિરના પ્રાંગણમાં લોકપ્રિય સાધના સાપ્તાહિકની ઉજવણી રવિવાર તા-16-એપ્રિલ ના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકપ્રિય નવલકથાકાર શ્રી પ્રિયકાન્ત પરીખે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સાહિત્ય રોજેરોજ વંચાવું જોઈએ અને ગુજરાતી સાહિત્યને જાળવવાની ખૂબ જ જરૂર છે. 'સાધના' સાપ્તાહિકના વિશાળ વાચક ગણે આ કાર્યક્રમમાં નોધપાત્ર હાજરી આપી હતી અને બધાએ કાર્યક્રમ ના અંતે સમુહ ભોજન લીધું હતું. આ સાપ્તાહિકના ઉપસ્થિત તમામ વાચકોને એક સ્મૃતિચિન્હ રૂપે 'શ્રી ગણેશ' ભગવાનની એક મૂર્તિ ભેટ આપવામાં આવી હતી. સવારે 10.30 કલાકે શરૂ થયેલો આ કાર્યક્રમ બપોરે 1.30 કલાકે સંપન્ન થયો હતો.

Categories: News

વહાલની એક નવી પરિભાષાનું નવું પુસ્તક

April 14, 2006 · Leave a Comment

આગામી થોડા જ દિવસોમાં એક નવતર પુસ્તક ‘થેંક યુ પપ્પા’ પ્રકાશિત થઈ રહ્યું છે. જેમાં ગુજરાત તથા ભારતભરની શ્રેષ્ઠતર દીકરીઓએ તેમના પિતા વિશે વહાલ દર્શાવ્યું છે. અને આવું વહાલ વરસાવવાની ઘટના ગુજરાતી પુસ્તક સ્વરૂપે સૌ પ્રથમવાર આવી છે. જેમાંના મોટા ભાગના લેખ ખાસ આ સંગ્રહ માટે લખાયેલા છે, એ આ પુસ્તકની ઉપલબ્ધી છે. આ પુસ્તકની ફૉટૉગ્રાફીનું કામ જાણીતા ફૉટૉગ્રાફર શ્રી સંજય વૈદ્યએ કર્યું છે અને ટૂંક સમયમાં પુસ્તક અગ્રગણ્ય દુકાનો પર ઉપલબ્ધ બનશે.

આ પુસ્તકમાં ગુજરાતી અને ગુજરાતેતર, જે શ્રેષ્ઠતર 46 દીકરીઓએ પોતાના પિતા વિશે કલમ ચલાવી છે, એમાં વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાલા, અદિતિ દેસાઈ, વંદના પાઠક, પુરબી જોશી, રિવા બક્ષી, રીના મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, અમીષા શાહ, મનીષા મનીષ, રાજુલ મહેતા, મેઘના ગુલઝાર, નંદીતા દાસ, દિપ્તી નવલ, શબાના આઝમી, નિશા દકુણીયા સહિત ઈન્દિરા ગાંધી, બેનઝીર ભુટ્ટો અને મણીબહેન પટેલના લેખો અહીં સંગ્રહાયેલા છે.

તાજેતરમાં આકસ્મિક અવસાન પામેલા ગુજરાતી સાહિત્યના અતિલોકપ્રિય સાહિત્યકાર સ્વ. ચંદ્રકાન્ત બક્ષીનાં પુત્રી રિવા બક્ષીએ પણ આ પુસ્તકમાં પ્રદાન કર્યું છે. તેમનો આ લેખ દિવ્ય ભાસ્કર તેમજ ચિત્રલેખા સામાયિકમાં પણ પ્રગટ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ લેખ રીડગુજરાતી પર મૂકવામાં આવશે જેની વાચકમિત્રોએ નોંધ લેવી.

Categories: News

‘લેખીની’ વાર્તા સ્પર્ધાનું પરિણામ

April 14, 2006 · Leave a Comment

તાજેતરમાં મુંબઈની ‘લેખીની’ સંસ્થા દ્વારા આયોજિત વાર્તા-સ્પર્ધા 2006 માં ડૉ. પ્રીતિ જરીવાળા, મનોરમા ગાંધી અને તિલોત્તમા જાનીને અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય પારિતોષિકો મળ્યા હતા. ગીતા ત્રિવેદી અને મીના છેડાને આશ્વાસન ઈનામો મળ્યા હતા. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર શ્રીમતી ધીરૂબહેન પટેલે વાર્તા લેખન પર માર્ગદશન આપ્યું હતું. વાર્તા-સ્પર્ધાના નિર્ણાયક શ્રીમતી પ્રતિભાબહેન દવેએ વાર્તાઓ વિષેનો પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને વાર્તા-સ્પર્ધાના વિજેતા બહેનોને કલ્લોલિનીબહેન હઝરતના વરદહસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા.

Categories: News

ગુજરાતીઓનું ગૌરવ : સાહિત્યકારોનું સન્માન

April 14, 2006 · Leave a Comment

પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર લેખિકા શ્રી વર્ષા અડાલજાને 2005નો રણજિતરાય સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે. 27, જાન્યુઆરી, 2006 ના રોજ મૂર્ધન્ય કવિશ્રી સિતાંશુભાઈ હરિશ્ચંદ્રને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે. લેખક શ્રી ગુલાબદાસ બ્રોકરને તેમની સુધીર્ધ આજીવન સાહિત્ય સેવા બદલ શ્રી ગંગાબેન પટેલ સારસ્વત સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ઈ.સ. 2005નો ‘નરસિંહ મહેતા એવોર્ડ’ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠને શ્રી મોરારિબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યો છે. પ્રતિવર્ષ સમગ્ર કવિતા સર્જનને લક્ષમાં લઈને અપાતા આ એવોર્ડ મેળવનાર તેઓ આઠમા કવિ છે. સાહિત્યકારો અને ગઝલરસિકોમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે જવાહર બક્ષીનું નામ ન સાંભળ્યું હોય. 1998 થી 2002 સુધીનાં પાંચ વર્ષમાં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાંથી શ્રી જવાહર બક્ષી કૃત ‘તારાપણાના શહેરમાં’ ની નર્મદચંદ્રક માટે વરણી થઈ છે.

કેન્દ્રિય સાહિત્ય એકાદમીએ જાહેર કરેલા અનુવાદ માટેના 20 પારિતોષિકમાં ગુજરાતીમાં શ્રીમતી ઉમાબેન રાંદેરિયાને સુનિલ ગંગોપાધ્યાયની કૃતિ ‘સેઈસમી’ ના ‘નવયુગનું પરોઢ’ નામે કરેલા અનુવાદ માટે પારિતોષિક આપવામાં આવ્યું છે. શ્રી ઉમાબહેનનને આ માટે અભિનંદન.

આ સાથે તલગાજરડા ખાતે દર વર્ષની જેમ હનુમાનજયંતિ નિમિત્તે તા-10 થી 13 એપ્રિલ, 2006 દરમિયાન પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં અસ્મિતા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી જીતુ ત્રિવેદી, શ્રી સુરેશ દલાલ, શ્રી રમેશ આચાર્ય, શ્રી દલપત પઢિયાર અને બીજા અનેક મૂર્ધન્ય સાહિત્યકારોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. આ ઉપરાંત કલા અને સાંસ્કૃતિને લગતી અનેક સુંદર નૃત્ય નાટિકાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના સુપ્રસિદ્ધ સંગીતકારોને ‘હનુમંત એવોર્ડ’ પૂ. બાપુ દ્વારા આપવામાં આવ્યા હતા.

Categories: News