રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

Entries from May 2006

શ્રી પ્રવિણ પટેલ ‘શશી’ નાં ત્રણ નવા પુસ્તકો

May 27, 2006 · Leave a Comment

ન્યુજર્સી સ્થિત સાહિત્યકાર શ્રી પ્રવિણભાઈ પટેલ ‘શશી’ ના તાજેતરમાં ત્રણ નવા પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં એક ‘કાવ્યસૌરભ’ નામે તેમણે રચેલી સુંદર કવિતાનો અનુપમ સંગ્રહ છે. ‘હડસન કાંઠે, ભદ્રાનાં નીર’ નામના તેમના બીજા પુસ્તકમાં તેમની અનેક મેગેઝીન અને ન્યુઝપેપરોમાં પ્રકાશિત થયેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘વિન્ટેજ વેલેન્ટાઈન’ નામના એક ત્રીજા પુસ્તકમાં તેમણે પ્રેમ તત્વ પર સંબંધિત કેટલાક લેખો, કેટલાક કાવ્યો અને કેટલીક વાર્તાઓનું સુંદર સંયોજન કર્યું છે જે ગુજરાતી પુસ્તકોના સ્વરૂપમાં એક નવી ભાત પાડે છે. આ તમામ પુસ્તકો ખરીદવા માટે આપ લેખક શ્રી નો (212) 3442150 પર ન્યુજર્સી ખાતે સંપર્ક કરી શકો છો. અથવા ઈ-મેઈલ નોંધી લેશો. pcpatelXshashi@aol.com

Categories: News

કવિ શ્રી રમેશ પારેખનું દુ:ખદ અવસાન

May 25, 2006 · Leave a Comment

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખનું  તા-17-મે ના રોજ રાજકોટ ખાતે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ શ્રી લગ્નપ્રસંગે અમદાવાદથી રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં જ તબિયત લથડી હતી. તેમને શ્રધ્ધાંજલિ આપવા અનેક સાહિત્યકારો રાજકોટ દોડી આવ્યા હતા. પૂ.મોરારિબાપુએ પણ ખાસ મુલાકાત લઈ શ્રધ્દ્ધાંજલિ અર્પી હતી. તેમના અચાનક અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પૂરાય એવી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

તેમને શ્રધ્ધાંજલિ સંદેશ રીડગુજરાતી પર આપવા માટે : http://rdgujarati.wordpress.com/2006/05/17/kaavi-aavsaan/

Categories: News

સરકારી પુસ્તકાલય વડોદરાનો વાર્ષિક સમારંભ

May 18, 2006 · Leave a Comment

સરકારી જિલ્લા પુસ્તકાલય (58/1 અરૂણોદય સોસાયટી, અલકાપૂરી, વડોદરા) ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એક વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભમાં જોડાવા પુસ્તકાલયના તમામ વાચકમિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. તમામ સભ્યો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન સવારે 9 થી 11 વચ્ચે કરવામાં આવ્યું છે અને સાથે સ્નેહભોજન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે બાળકો માટે રંગપૂરણી હરિફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતિ માટે સંસ્થાનો આ નંબર પર (ફૉન : 91-265-2320808) સંપર્ક કરવા વિનંતી.

Categories: News

દુબઈમાં ગુજરાતી નાટિકાનું આયોજન

May 18, 2006 · Leave a Comment

દુબઈમાં રહેતા શ્રી ભરતભાઈ શાહ દ્વારા ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી લગ્નપ્રસંગની ઝાંખી કરાવતી તાદ્દશ્ય નાટિકા નું આયોજન 'શેખ રસિદ ઑડિટોરિયમ, ઈન્ડિયન હાઈસ્કૂલ, દુબઈ' ખાતે તા 19-મે-2006 ના રોજ સાંજે 6 વાગે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઈન્ડિયન કાઉન્સીલ જનરલ ના ધર્મપત્ની શ્રીમતિ ગીરીજા સિંહા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

Categories: News

સોનલ ફાઉન્ડેશન (અમરેલી) દ્વારા 80 બાળ પુસ્તકાલયો

May 9, 2006 · Leave a Comment

સોનલ ફાઉન્ડેશનના ડૉ. પ્રફુલ્લભાઈ શાહ અને ઈન્દીરાબહેન શાહ દ્વારા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને કુંડલા તાલુકાના 100 ગામડાઓમાં 100 બાળ પુસ્તકાલયો ખોલવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેમાંથી 80 પુસ્તકાલયો કાર્યરત થઈ ગયા છે. રીડગુજરાતીને ફોન પર જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘દરેક સ્થળે અમે જાતે જ જઈએ છીએ. એક નાનો એવો કાર્યક્રમ રાખીએ છીએ. ગામડામાંથી બાળકોના માતા-પિતાને બોલાવી તેમને બાળકો ઈતર વાંચન કરે તેઓ તેને થતા લાભ વિશે સમજ આપીએ છીએ. 80 પુસ્તકાલયો તા.24-એપ્રિલ-2006 સુધી ખૂલી ગયાં છે. દરેક પુસ્તકાલયને 350 થી 400 પુસ્તકો આપવામાં આવે છે. ધોરણ 1 થી 7 સુધીના બાળકો પુસ્તકો વાંચી શકે તેવા પુસ્તકો પસંદ કરવામાં આવે છે.’ આ સાથે ફાઉન્ડેશનના સંસ્થાપકોએ આ તમામ પુસ્તકાલયોનું લીસ્ટ અને વાંચનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું સ્ટેટમેન્ટ મોકલાવીને જણાવ્યું હતું કે, ‘પુસ્તકો તો જ્ઞાનનો ખજાનો છે. નાનપણથી જ જો બાળકને વાંચવાની ટેવ પડે તો તેનું જ્ઞાન વિશાળ બને છે.’

Categories: News

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રકાશનો

May 9, 2006 · Leave a Comment

ચાલુ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કેટલાક નવા પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે જેની વિગત નીચે મુજબ છે.

ગાંધીજી : કેટલાક સ્વધ્યાય લેખો (કિંમત રૂ. 100), શનિમેખલા (પ્રકાર નિબંધ, કિંમત રૂ. 90), હરજી મુનિકૃત વિનોદચોત્રીસી (પ્રકાર અભ્યાસ, કિંમત 160), બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો (કિંમત રૂ. 130), ન્યાયની કેડીએ (કિંમત રૂ. 85), સ્વાન્ત: સુખાય (કવિતા, કિંમત રૂ. 50) આ ઉપરાંત કેટલાક અન્ય પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તકો મેળવવા માટે તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો : અક્ષરભારતી ગ્રંથ ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ ની પાછળ, અમદાવાદ-09. ફોન : +91 (79) 26587947

Categories: News

લેખિકા સોનલબેન મોદીનું થયેલું સન્માન

May 9, 2006 · Leave a Comment

સુધા મૂર્તિના અનેક અંગ્રેજી પુસ્તકોને ‘મનની વાત’, ‘સંભારણાની સફર’, ‘તમે જ તમારું અજવાળું’, ‘બોરસલ્લીની પાનખર’ સ્વરૂપે સુંદર ભાષાંતરિત કરીને રજૂ કરનાર સોનલબહેન મોદીનું વડોદરા ખાતે કૉસ્વર્ડ બુક સ્ટોરમાં તા. 6ઠ્ઠી મે ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે તેમના અનુવાદના તેમજ વાચકો તરફથી મળેલા પ્રતિભાવના અદ્દભૂત ભાવસભર પ્રસંગો વર્ણવ્યા હતાં. 35,000 જેટલા વિક્રમજનક વેચાણ ધરાવતા આ પુસ્તકનો સમગ્ર હિસ્સો સામાજિક કાર્યમાં વપરાય છે તેમ જણાવીને તેમણે વાચકોનો આભાર માન્યો હતો. ગુજરાતી વાંચન વધે અને બાળકોથી લઈને સમાજના તમામ વર્ગો વાંચન કરે એ બાબત પર તેમણે વિશેષભાર મૂક્યો હતો.

Categories: News