સમગ્ર વિશ્વના ગુજરાતીઓ એક મંચ પર એકઠા થાય અને એકતાની ભાવના કેળવાય એ શુભ આશયથી ‘આયના’ (એસોશીએસન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા – AIANA) સંસ્થા દ્વારા એક વર્લ્ડ કૉન્ફરન્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ અમેરિકા અને ભારત ઉપરાંત અન્ય દેશોમાં વસેલા ગુજરાતીઓ આ કૉન્ફરન્સમાં હાજરી આપશે. આ કૉન્ફરન્સ ન્યુજર્સીના એડિસન શહેરમાં ત્રણ દિવસ માટે તારીખ 2 થી 4, સપ્ટેમ્બર,2006 દરમિયાન યોજવામાં આવશે. આ કૉન્ફરન્સ નો હેતુ ગુજરાતે અત્યાર સુધીમાં જે જે પ્રગતિ સાધી છે તેની યુવાપેઢીને જાણ થાય તથા તેઓ રાજકિય, સામાજીક, ધાર્મિક, અને આર્થિક ઉપરાંત મનોરંજન-કલા ક્ષેત્રની કઈ કઈ ગુજરાતી પ્રતિભાઓ આજે પોતાની સેવા અને ફરજ બજાવી રહી છે તેનો પણ તેમને ખ્યાલ આવે.
ઉપલબ્ધ માહિતી અનુસાર ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સ્વાસ્થય, ઉદ્યોગ, વ્યાપાર, સાંસ્કૃતિક, રાજકિય, સામાજીક, આધ્યાત્મિક અને મનોરંજન – કલા ઉપરાંત આર્થિક ક્ષેત્રોની ગતિવિધિઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ શુભ પ્રસંગે ગુજરાતના સાંસ્કૃતિક તથા ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવો હાજર રહી પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરશે. સર્વ શ્રી નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી, રમેશ ઓઝા, મોરારી બાપુ, હરિપ્રસાદ સ્વામી, ઈંદિરા બેટીજી ઉપરાંત અન્ય જાણીતી ઘણી પ્રતિભાઓ આ કૉન્ફરન્સમાં હાજરી આપશે. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી મેળવવા સુજ્ઞ વાચકો શ્રી સુનીલ નાયકનો 732-438-8018 (અમેરિકા) નંબર પર સંપર્ક સાધી શકે છે અથવા http://www.wgc06.org સાઈટ પર વધુ માહિતી મેળવી શકે છે.