સુપ્રસિદ્ધ અને વિદ્વાન સાહિત્યકાર શ્રી કે.કા.શાસ્ત્રી આજે તા-28-જુલાઈના રોજ 101 વર્ષ પૂરા કરીને 102 મા વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતી સાહિત્ય માટે તેમણે અદ્દભુત અને અદ્વિતિય કાર્ય કર્યું છે. આજે ઈ.ટી.વી ગુજરાતી ચેનલ સાથેના ઈન્ટરવ્યૂ માં તેમણે જણાવ્યું હતું કે “જીવનમાં હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી, જે સર્જન અને સંશોધન કરવાનું હતું એ થઈ ગયું, પણ તેમ છતાં મને એમ થાય છે કે કૉમ્પ્યુટર આવડતું હોત તો હું કંઈક ઓર વધારે કરી શકત.” ખૂબ અલ્પ આહાર લેનારા શ્રી શાસ્ત્રીજી આજે 101 વર્ષની વયે પણ તંદુરસ્ત દેખાય છે. ઉંમરને કારણે તેઓ લખી શક્તા નથી પરંતુ પોતાનો મોટાભાગનો સમય ભગવદ ચિંતન અને મનન માં વિતાવે છે. રીડગુજરાતી આજે તેમના જન્મ દિવસે તેમને અભિનંદન પાઠવતા તેમના ચરણોમાં વંદન કરે છે.
Entries from July 2006
વિદ્વાન સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રીના જન્મ દિવસે વંદન
July 28, 2006 · Leave a Comment
Categories: News
માઈક્રોસોફટ દ્વારા આયોજિત સ્પર્ધામાં રીડગુજરાતી પ્રથમ નંબરે
July 27, 2006 · Leave a Comment
ઈશ્વરકૃપા અને સૌ વાચકોના પ્રેમને લીધે રીડગુજરાતીને માઈક્રોસોફટ દ્વારા આયોજિત “ભાષાઈન્ડિયા.કૉમ – બેસ્ટ બ્લોગ સ્પર્ધા” માં ગુજરાતી ભાષાનું પ્રથમ ઈનામ મળ્યું છે. માત્ર એટલું જ નહિ, તમામ બ્લોગમાં નિર્ણાયકોની દષ્ટિએ રીડગુજરાતીને નંબર 1 સાઈટ ગણવામાં આવી છે જેનું વિશેષથી અલગ ઈનામ પ્રાપ્ત થયું છે. વધુ માહિતી માટે આ જુઓ : http://www.bhashaindia.com/contests/iba/Winners.aspx
Categories: News
બ્રિટનમાં વિવિધ જગ્યાએ ગુજરાતી મુશાયરા
July 17, 2006 · Leave a Comment
ગુજરાતી રાઈટર્સ એસોસીએશન-બ્લેકબર્ન, યુ.કે. ના ઉપક્રમે અને ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ-બોલ્ટન, ગુજરાતી રાઈટર્સ ફોરમ-બાટલી, ગુજરાતી લૅંગવેજ એન્ડ લિટ્રેચર ગ્રુપ-બર્મિંગહામ અને ગુજરાતી લિટરરી સર્કલ-લેસ્ટરના સહયોગથી આદિલ મન્સૂરી સપ્તતિ મુશાયરાનું આયોજન શનિવારે તા: 26-ઓગસ્ટ-2006ની સંધ્યાએ બ્લેકબર્નના બેંગોર હોલમાં કરવામાં આવ્યું છે.
અતિથિ કવિ આદિલ મન્સૂરી (યુ.એસ.એ) ઉપરાંત ખ્યાતનામ અંગ્રેજ કવયિત્રી જૂલી બોડન તથા લંડન, લેસ્ટર, બર્મિંગહામ, યોર્કશિયર અને લેંકેશિયરના નામાંકિત ગુજરાતી કવિઓ ભાગ લેશે. આ પ્રસંગે આદિલ મન્સૂરીનું સન્માન થશે જેમાં બ્લેકબર્નના મેયર તથા લોર્ડ આદમ પટેલ, લોર્ડ કમલેશ પટેલ અને અન્ય વિભૂતિઓ ઉપસ્થિત રહેશે. (સંપર્ક : બાબર બંબુસરી : 01254-676755)
ગુરુવાર તા:24 ઓગસ્ટના રોજ ગુજરાતી રાઈટર્સ ફોરમ-બાટલીના ઉપક્રમે આદિલ મન્સૂરીના અતિથિ વિશેષપદે મુશાયરો યોજાશે. આ પ્રસંગે જૂલી બોડનના અંગ્રેજી કાવ્યોના અદમ ટંકારવી કૃત ગુજરાતી રૂપાંતરના સંચય : ‘અહીંથી’ ની લોકાર્પણ વિધિ તથા અહમદ ગુલ, શબ્બીર કાઝી અને ઈસ્માઈલ દાજીના સહિયારા ગઝલસંગ્રહ ‘સંગતિ’ નું વિમોચન થશે. (સંપર્ક : અહમદગુલ : 07980-611808)
રવિવાર તા-27 ઓગસ્ટની સાંજે ગુજરાતી લિટરરી ગ્રુપના ઉપક્રમે લેસ્ટરમાં મુશાયરો યોજાશે. અતિથિ કવિઓ તરીકે આદિલ મન્સૂરી (યુ.એસ.એ) અને મુસાફિર પાલનપુરી (ભારત) ઉપસ્થિત રહેશે. (સંપર્ક બેદાર લાજપુરી : 07711-375685)
આ કાર્યક્રમોમાં બ્રિટનના ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત અંગ્રેજ કવિઓ પણ હાજર રહેશે. કાર્યક્રમો માટે બ્રિટનના ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહ પ્રવર્તે છે, અને એના પ્રતિભાવરૂપે આ કાર્યક્રમો એમ.એ. ટી.વી. ઉપર પ્રસારિત થાય એવા ચક્રો ગતિમાન થયાં છે.
www.readgujarati.com
Categories: News
જામનગરમાં શ્રી ભાવિન પાઠક ‘રાહી’ લિખિત પુસ્તકનું વિમોચન
July 17, 2006 · Leave a Comment
શ્રી ભાવિન પાઠક ‘રાહી’ લિખિત પુસ્તક ‘મૃત્યુ’ નું વિમોચન, શ્રીમાળી સામવેદી બ્રાહ્મણની વાડી, પંચેશ્વર ટાવર રોડ, પાવન ટ્રાવેલ્સની બાજુમાં, જામનગર ખાતે તા. 23-જુલાઈ-2006 ના રોજ સાંજે 6 થી 8 દરમિયાન રાખવામાં આવ્યું છે. પુસ્તક વિમોચન શ્રી પ્રવિણભાઈ ઠાકર ના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી હરકીશનભાઈ જોષી હાજરી આપશે. ઉપરાંત મુખ્ય ઉપસ્થિત વ્યક્તિઓ તરીકે પ્રો. અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રો. સતીષ વ્યાસ, શ્રી કીરીટભાઈ ગૌસ્વામી, શ્રી દિનકરભાઈ ત્રિવેદી તેમજ શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. માનવમાં મૃત્યુ પ્રત્યે પ્રેમ જાગે, કરુણાનું બીજ કલી બને, કલી પર સ્નેહ અને લાગણીઓનો વરસાદ થાય, ક્યારેક સંસ્કાર અને સંસ્કૃતિના કિરણો તે કલી પર પડે અને તેમાંથી પ્રેમનું એટલે કે સત્યમ્ , શિવમ્ , સુંદરમ્ નું કમળ ખિલિ ઊઠે…. એવી સુંદર વાતો દ્વારા માનવજીવનમાં મૃત્યુની કિંમત આ પુસ્તક સમજાવે છે.
Categories: News
વડોદરામાં સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોનો મુશાયરો
July 12, 2006 · Leave a Comment
તા.15-જુલાઈ-2006 ના રોજ રાત્રે 8:00 વાગે સી.સી. મહેતા જનરલ એજ્યુકેશન ઓડીટેરિયમ (એમ.એસ.યુનિવર્સિટી) ખાતે કૈલાસવાસી શ્રી ભવાની શંકર જોષીની પુણ્યતિથી નિમિત્તે એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો તમામ જાહેર જનતા લાભ લઈ શકે છે. મુશાયરાનું અધ્યક્ષ પદ સુપ્રસિદ્ધ કવિશ્રી અનિલ જોષી સંભાળશે તેમજ અતિથિ વિશેષ તરીકે પ.પૂ ધર્માધિકારી શ્રી ચંદ્રશેખર પંડિતજી તેમજ માહિતી નિયામક (ગુજરાત રાજ્ય) શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આમંત્રિત કવિશ્રીઓ છે, શ્રી જવાહર બક્ષી, શ્રી ખલીલ ધનતેજવી, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન, શ્રી કિરણ ચૌહાણ, શ્રી મકરંદ મુસળે, શ્રી નિરવ વ્યાસ તેમજ કવિશ્રી શોભિત દેસાઈ.
Categories: News
પરિષદ દ્વારા નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”
July 4, 2006 · Leave a Comment
ગુજરાતી સાહિત્ય પરિષદ તેના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ભાષાના નવોદિત સર્જકો માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ “સંવાદ” 5મી જુલાઈ, 2006 ના રોજ બપોરે 3 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાશે. વધુ વિગતો માટે શ્રી હરીશભાઈ દવેના સંચાલિત બ્લોગ http://gujarat1.wordpress.com/ ની મુલાકાત લેવા વિનંતી.
Categories: News
ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે એક નવતર પ્રયોગ
July 4, 2006 · Leave a Comment
ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ગત વર્ષે એક નવતર પ્રયોગ કરવમાં આવ્યો જે ગુજરાતી સાહિત્ય જગતમાં બનેલી આ પ્રકારની સૌપ્રથમ ઘટના કહી શકાય. સુપ્રસિદ્ધ લેખક શ્રી જયંતિ દલાલ લિખિત ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક ‘જયંતિ એમ. દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ “વિવિધ લેખકોના આસ્વાદ સાથે” પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જે તે વાર્તાના અંતે, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકારોએ જે તે વાર્તાને લગતી સારી-નબળી બાજુઓ રજૂ કરતી સુંદર ટિપ્પણીઓ રજૂ કરી છે – જેથી પુસ્તક વધારે રસપ્રદ બન્યું છે. આ પુસ્તકમાં કુલ 18 ટૂંકી વાર્તાઓ વિવિધ લેખકોના અભિપ્રાયો સાથે લેવામાં આવી છે તેમજ આ પુસ્તકનું સંપાદન શ્રી નરેન્દ્રભાઈ પટેલે કર્યું છે. આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત આ પુસ્તકની કિંમત રૂ. 110 રાખવામાં આવી છે જે તમામ પ્રસિદ્ધ દુકાનો પરથી પ્રાપ્ત થઈ શકે છે.
Categories: News
અમરેલીમાં રમેશ પારેખની સ્મૃતિમાં ‘સંભારણા-મિલન’
July 4, 2006 · Leave a Comment
મૂર્ધન્ય કવિશ્રી રમેશ પારેખનાં સંભારણા જે ધરતીના કણે-કણમાં સચવાયેલાં છે તે અમરેલીમાં કવિશ્રી ની સ્મૃતિમાં ‘સાત રંગના સરનામે’ નામનો એક સુંદર સંભારણા-મિલન સમારંભ 1લી જુલાઈ, 2006 ના રોજ અમરેલીમાં સાંજે પાંચ વાગે યોજાઈ ગયો. આ પ્રસંગે ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષરોએ કવિશ્રી રમેશ પારેખનાં વ્યકિતત્વ અને વાડમય વિશે રસપ્રદ વાતો રજૂ કરી. સમારંભના અધ્યક્ષતા તરીકે શ્રી લાભશંકરભાઈ પુરોહિતે કવિશ્રીના સર્જનયાત્રાની ઝાંખી કરાવીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા. વિશેષ વક્તા તરીકે શ્રી વસંત પરીખ, દીપ-પ્રાકટ્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ ઉદ્દઘોષણા શ્રી દિલીપભાઈ ભટ્ટે કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રીમતી રસીલાબેન રમેશભાઈ પારેખ તેમજ તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના દ્વિતિય ચરણમાં આકાશવાણી અને દૂરદર્શનની ખ્યાતનામ સ્વર-પ્રતિભાઓએ કવિશ્રી રમેશ પારેખની રચનાઓનું ગાન પ્રસ્તુત કર્યું હતું.
Categories: News