રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

Entries from September 2006

ન્યુયોર્કમાં ગઝલયાત્રાનો વિશેષ કાર્યક્રમ

September 21, 2006 · Leave a Comment

ભારતીય વિદ્યા ભવન (યુ.એસ.એ) ના ઉપક્રમે “આદિલથી અંકિત – અમદાવાદથી અમેરિકા – ગઝલયાત્રા” શિર્ષક હેઠળ ગુજરાતી ગઝલના ધબકાર ઝીલતા બે માનીતા ગઝલકારો શ્રી આદિલભાઈ મન્સૂરી તેમજ શ્રી અંકિતભાઈ ત્રિવેદીના કાવ્ય-ગઝલ-પઠન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. 23-સપ્ટેમબર-2006 ના રોજ બરાબર સાંજે 6 વાગે યોજાનારો આ  કાર્યક્રમ ‘ભવન્સ રોમનતી ઓડિટોરિયમ, ભારતીય વિદ્યાભવન, 305  7 એવન્યુ, 17મે માળે, ન્યુયોર્ક-10001 ખાતે રાખવામાં આવ્યો છે. વધુ માહિતી આપ ફોન નંબર 212-989-8383 પર મેળવી શકો છો. આ કાર્યક્રમમાં સૌ કોઈને વહેલા તે પહેલા ધોરણે સાદર આમંત્રણ છે.

Categories: News

બાળસાહિત્યકાર રમણલાલ સોનીનું અવસાન

September 21, 2006 · Leave a Comment

લોકપ્રિય અને સુપ્રસિદ્ધ બાળ સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીનું તા-20-સપ્ટેમબર-2006 ના રોજ 99 વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું છે. તેમણે કુલ 400 થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો લખ્યા હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બાળ સાહિત્ય સેવા બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સદગતની સ્મશાન યાત્રા આજે તા.21-સપ્ટેમબરના રોજ સવારે 9.00 વાગે તેમના નિવાસસ્થાન ‘સુતરિયા હાઉસ’ , ભાઈકાકા હોલ પાસેથી નીકળીને વી.એસ. હોસ્પિટલ નજીકની હૉસ્પિટલ પહોંચશે જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર અપાશે.

તેમના નિધનથી બાળ ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુ પ્રાર્થના.

Categories: News

ગઝલકાર રાજેન્દ્ર શુક્લને નરસિંહ મહેતા એવોર્ડ

September 20, 2006 · Leave a Comment

ભગવા રંગના ગઝલકાર અને ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને વર્ષ 2006 આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આગામી શરદપૂનમ તા. 7-ઑકટોબર-2006 ના રોજ જૂનાગઢ ખાતે આયોજિત એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં રૂ. 1.51 લાખનો ચેક, સ્મૃતિચિન્હ અને સન્માનપત્ર અર્પણ કરીને શાલ ઓઢાડીને કવિને બિરદાવવામાં આવશે.

વર્ષો સુધી અધ્યાપનક્ષેત્રે રહ્યા બાદ વર્ગખંડની શિક્ષણપ્રણાલિને તિલાંજલી આપીને સ્વૈછિક નિવૃત્તિ લીધા બાદ કવિ દંપતી રાજેન્દ્ર શુક્લ-નયનાબહેન અમદાવાદમાં સ્થાયી થયા છે. કવિનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘કોમલ રિષભ’-1970માં, બીજો સંચય-’અંતરગાંધાર’-1981માં તેમ જ તાજેતરમાં પાંચ સંચયનો સંપૂટ ‘ગઝલ સંક્ષિતા’ આપ્યો છે, જેમાં ‘સભર સુરાહી’ , ‘મેઘધનુષના ઢાળ પર’, ‘આ અમે નીકળ્યા’, ‘ઝળહળ પડાવ’ અને ‘ઘિર આઈ ગિરનારી છાયા’ નો સમાવેશ થાય છે.

['હલચલ' સામાયિક -1-સપ્ટે-2006માંથી સાભાર]

ગઝલ સંહિતાઃ ૪૫૦ ગઝલો,પાંચ ભાગમાં,પ્રદાનઃ ૩૦૦ રૂ
સહૃદય પ્રકાશન
૭૧૪, આનંદ મંગલ
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આબાંવાડી, અમદાવાદ - ૩૮૦૦૦૬
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪, ૨૬૪૦૪૩૬૫
મોબાઇલઃ ૦૯૮૯૮૪૨૧૨૩૪, ૦૯૩૨૭૦૨૨૭૫૫

કવિનો સંપર્કઃ
રાજેન્દ્ર શુક્લ
૨૨/૫૨૯, સત્યાગ્રહ છાવણી
જોધપુર ટેકરા,સેટેલાઇટ રોડ
અમદાવાદ- ૩૮૦૦૧૫
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪
ઇમેલઃ jajvalya@yahoo.com

Categories: News

ગુજરાતી લેખકનું સુપ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તક

September 14, 2006 · Leave a Comment

bookમોટેભાગે એમ બનતું હોય છે કે વિદેશીભાષા તેમજ અનેક અન્યભાષાના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ થઈને ગુજરાતીમાં પ્રકાશન થતું હોય છે, પરંતુ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકો અનુવાદિત થઈ ને અન્ય ભાષામાં સુપ્રસિદ્ધ બને એવી ઘટનાઓ ખૂબ જ જૂજ બનતી હોય છે. ગુજરાતી સાહિત્ય ગૌરવ લે એવી જ એક ઘટના તાજેતરમાં બની છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી જયંતિ એમ. દલાલનું પુસ્તક ‘ORDEAL OF INNOCENCE’ જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. અર્પણ.એ.દેસાઈએ શ્રી દલાલની ગુજરાતી નવલકથા ‘આંખને સગપણ આંસુના’ પરથી કર્યું છે, જેને દેશ-વિદેશમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

‘સુકન્યા’ નામના પાત્રને લઈને લખાયેલી આ કાલ્પનિક કથા – માનવજીવનના વિવિધ રંગો, માનવસંબંધો, ભારતીય સંસ્કૃતિના વિવિધ પરિમાણોને આવરી લે છે. લગ્નજીવન, મિત્રતા, કૌટુંમ્બિક મૂલ્યો વગેરે પર શ્રી દલાલની આ વાર્તા ખૂબ જ વાસ્તવિક અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આ પુસ્તકને દેશ-વિદેશમાં સવર્ત્ર ખૂબ આવકાર સાંપડ્યો છે. આ પુસ્તક અંગે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જણાવે છે કે “એક ગુજરાતી લેખકનું પુસ્તક અંગ્રેજીમાં અને તે પણ અમેરિકા સ્થિત પ્રકાશન કંપની તરફથી છપાય તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. શ્રી દલાલ આ રીતે વધારે પુસ્તકોનો લાભ અંગ્રેજી વાચકોને આપે એવી શુભકામનાઓ”

આ પુસ્તકની વધારે વિગતો તેમજ તેને ખરીદવા માટે આપ www.ivyhousebooks.com અથવા www.amazon.com પર પણ મુલાકાત લઈ શકો છો.

ગુજરાતી વાર્તાઓ અને ભારતીય સંસ્કૃતિનો લાભ અન્ય ભાષાના વાચકોને પણ મળે એ હેતુથી આવું ઉત્તમ કાર્ય કરતા લેખક શ્રી જયંતિભાઈ દલાલને રીડગુજરાતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Categories: News

વિદ્વાન સાહિત્યકાર કે.કા.શાસ્ત્રીનું અવસાન

September 9, 2006 · Leave a Comment

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુજરાતી સાહિત્ય, ઈતિહાસ વગેરે પર અત્યંત અગત્યના સંશોધનો કરીને ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપી છે. તેમને અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજસેવાના કામો ઉપરાંત તેઓ ખૂબ જ સાદું અને સરળ જીવન જીવતા હતા. તેમને મૃત્યુનો અણસાર આવી ગયો હોય એમ તેમણે ડોકટરને બોલાવીને એક પત્ર લખ્યો હતો અને તેમની સ્મશાનયાત્રા અમુક રસ્તેથી પસાર થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.

Categories: News

લંડનમાં ગુજરાતી વાચકો માટે ‘ઓપિનિયન’ માસિક

September 7, 2006 · Leave a Comment

લંડનમાં છેલ્લા બાર વર્ષથી પ્રગટ થતાં ‘ઓપિનિયન’ માસિક મેગેઝીનની વાચકોમાં લોકપ્રિયતા વધતી જાય છે. આ મેગેઝીનમાં ટૂંકી વાર્તાઓ, કાવ્યો, હાસ્યલેખો, વિવિધ પર્વ પ્રસંગના વિશેષ લેખો વગેરે જેવી અનેક માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. યુ.કે માટે તેના વાર્ષિક લવાજમનો દર 25 પાઉન્ડ તેમજ અન્ય દેશો માટે 40 પાઉન્ડ રાખવામાં આવ્યો છે. છૂટક નકલની કિંમત 2.50 પાઉન્ડ છે. નવોદિત લેખકો પણ તેમાં પોતાના લેખ મોકલી શકે છે. તાજેતરમાં ‘ગુજરાતી લેક્સીકોન’ સાઈટના લોકાપર્ણ પ્રસંગે તેની એક પ્રત ઓનલાઈન મૂકવામાં આવી હતી. વાચકો તે પ્રત નીચેની લીન્ક કલીક કરીને જોઈ શકે છે, તેમજ વધુ માહિતિ માટે તંત્રી શ્રી વિપુલભાઈ કલ્યાણીનો સંપર્ક કરી શકે છે. ગુજરાતી સાહિત્ય માટેના આવા સુંદર કાર્ય બદલ, આદરણીય શ્રી વિપુલભાઈને રીડગુજરાતીની શુભેચ્છાઓ.

http://www.gujaratilexicon.com/newsroom/Opinion_august_2006.pdf

Categories: News

વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ખાતે યાદગાર યોજાયું કવિ સંમેલન

September 5, 2006 · 1 Comment

બીજી સપ્ટેમબર, 2006 ની પુરપાટ પવન અને ધોધમાર વરસાદી બપોરે 2:00 ના ટકોરે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ (વિશ્વ ગુજરાતી સંમેલન) માં 500 થી અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક નાનકડું પણ યાદગાર કવિ સંમેલન યોજાયું હતું. લગભગ 100 એક જેટલા શ્રોતાઓએ તો ખુરશીના અભાવે ઊભા ઊભા કાવ્ય, ગઝલોનો આસ્વાદ માણ્યો હતો.

ગુજરાત ટાઈમ્સ  સાપ્તાહિકના સહાયક તંત્રી શ્રી હસમુખભાઈ બારોટે કાર્યક્રમનું સુંદર  અને કુશળ સંચાલન કર્યું હતું. કવિ શ્રી અંકિત ત્રિવેદીએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. સર્વ કવિઓએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા તેમાંય શ્રી આદિલભાઈ મન્સૂરીની ગઝલોની વેધક રજૂઆત શ્રોતાઓના હૃદય અને પાંપણોને સ્પર્શી ગઈ હતી. અમેરિકન ગુજરાતી કાવ્ય જગતમાં કાવ્યોમાં નીતરતી આ બપોર લાંબા સમય સુધી શ્રોતાઓની સ્મૃતિના પાલવને ભીનો ભીનો રાખશે તેવી લાગણી બધાએ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે વર્લ્ડ કોન્ફરન્સ ખાતે યોજાયેલ આ કાવ્યસંમેલન નો એક ફોટોગ્રા, જેમાં ડાબેથી છે  : શ્રી વિજય શાહ, શ્રી હસમુખ બારોટ, શ્રી ધીરુ પરીખ, શ્રી આદિલમન્સૂરી, શ્રી રોહિત પંડ્યા, શ્રી હરનિશ જાની, શ્રી રસિક મેઘાણી, શ્રી નટવર ગાંધી. બેઠેલાઓમાં : શ્રીમતી પન્ના નાયક, શ્રીમતી બિસ્મિલ મન્સૂરી, શ્રીમતી રશીદા દામાણી (તસ્વીર : અલી ઈમરાન મનસૂરી)

world conference

Categories: News

બ્રિટનમાં આદિલ મન્સૂરી સપ્તતિ પર્વની ઉજવણી

September 5, 2006 · Leave a Comment

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને આધુનિક ગઝલના પ્રણેતા આદિલ મન્સૂરીની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે ઑગસ્ટ માસ દરમિયાન બ્રિટનમાં વિવિધ જગ્યાએ જેમ કે બાટલી, બર્મિંગહમ, બ્લેકબર્ન અને લેસ્ટર ખાતે ‘આદિલ મનસૂરી સપ્તતિ પર્વ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

બાટલી ખાતેના મુશાયરામાં ગુજરાતી રાઈટર્સ ફોરમ તરફથી આદિલ મનસૂરી, મુસાફિર પાલનપૂરી, પ્રફુલ્લ અમીન, હમેશ મોદી અને ઈકબાલ ભાણાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘સંગતિ’ નામના કાવ્યસંચયનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. બમિંગહમ ખાતે અદમ ટંકારવી, આદિલ મન્સૂરી, સિરાજ પટેલ, કવિ વિનયે શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. 26-8-2006 ના રોજ બ્લેકબર્ન ખાતે શહેરના કાઉન્સીલર ની ઉપસ્થિતિમાં શ્રી ઈમ્તિહાઝભાઈ પટેલે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. છેલ્લે 27-08-2006 ના રોજ લેસ્ટરમાં બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરના ભવ્ય હોલમાં આ સપ્તતિ પર્વનો અંતિમ મુશાયરો યોજાયો હતો. તમામ ક્ષેત્રના અગ્રણીઓએ ગઝલકાર શ્રી આદિલભાઈને અભિનંદન પાઠવ્યા હતા. બ્રિટનના ગુજરાતી સમાજ માટે આ મુશાયરાઓ યાદગાર પ્રસંગ રૂપ અને ચીરસ્મરણીય બની રહેશે તેવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે લેસ્ટર ખાતેના મુશાયરામાં એકઠા થયેલા કવિઓ તમજ ગઝલકારોનું એક ચિત્ર….

UK

Categories: News

5મી સપ્ટેમબરે થયેલી શિક્ષકદિનની ઉજવણી

September 5, 2006 · Leave a Comment

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવાય છે. આ નિમિતે તેમની પ્રતિમાને ફૂલાર્પણ કરવામાં આવ્યું હતું અને શાળાઓમાં ‘શિક્ષકદિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. તેઓ શ્રીનો જન્મ 5-9-1888 ના રોજ મદ્રાસના તિરૂતની ગામે થયો હતો. તેમને મન શિક્ષણનું ખૂબ જ મહત્વ હતું અને તેથી જ તેમની ઈચ્છા હતી કે તેમનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ ના નામે ઉજવાય. ભારતના રાષ્ટ્રપતિ અને સંસ્કારપુરુષ એવા શ્રી રાધાકૃષ્ણને પોતે ભગવદગીતા અને દર્શનશાસ્ત્ર પર અદ્દભુત ગ્રંથો લખ્યા છે. તેમના જન્મદિન નિમિત્તે તેમને વંદન અને સાથે તમામ વાચકોને શિક્ષકદિનની શુભકામનાઓ.

Categories: News