રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

નવલકથાકાર શ્રી જય ગજ્જરનું અંગ્રેજી પુસ્તક

November 5, 2006 · Leave a Comment

bookઅમેરિકા, કેનેડા અને લંડનમાં ગુજરાતી સાહિત્યકારોનો વસવાટ વધતાં અને પરદેશમાં વસતા આપણા ગુજરાતીઓનો આપણી ભાષા અને આપણા સાહિત્યમાં રસ વધતાં ગુજરાતી સાહિત્યનાં સારાં એવા પુસ્તકો આજકાલ અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રકાશિત થવા લાગ્યાં છે અને એથી અંગ્રેજી વાચકોનો રસ પન એ ક્ષેત્રે વધી રહ્યો છે એ ગુજરાતી ભાષા માટે આનંદ અને ગૌરવ લેવા જેવી ઘટના છે. ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ અમેરિકામાં પ્રગટ થયા પછી આ પ્રવાહ ઝડપથી વિશેષ આગળ વધી રહ્યો છે.

અનુવાદના આ ક્ષેત્રમાં તાજેતરમાં વધુ એક પ્રદાન કેનેડા નિવાસી શ્રી જય ગજ્જરનું છે. આપણા પદ્મશ્રી સમકક્ષ ‘ઑર્ડર ઓફ કેનેડા’ નો રાષ્ટ્રીય ઍવોર્ડ મેળવનાર અને છેલ્લા 36 વર્ષથી કેનેડા વસનાર જાણીતા નવલકથાકાર અને નવલિકાકાર જય ગજ્જરની નવલકથા ‘પથ્થર થરથર ધ્રૂજે’ નો અનુવાદ “The Shuddering Stones” અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આવેલા જેડા પ્રેસે પ્રગટ કરેલ છે જેને દેશ-વિદેશના સાહિત્યકારો અને વાચકોના ખૂબ જ સારા પ્રતિભાવ સાંપડી રહ્યા છે.

વાર્તાની કથાવસ્તુમાં ટોરેન્ટોના એક વિકે નામના વેપારીને એક ઍરહોસ્ટેસ સાથે મૈત્રી બંધાય છે. એ એરહોસ્ટેસની માતા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને વિકે તેમને કોઈ પણ જાતની અંગત અપેક્ષા વિના મદદ કરે છે અને મીના વિકેના પ્રેમમાં પડે છે પણ વિકેનો પ્રેમ નિરપેક્ષિત અને દૈવી હોય છે. મીના એ પછી એક યુવાનના સંપર્કમાં આવે છે તેના લગ્ન તેની સાથે થાય છે પરંતુ તેનો પતિ તેને માતૃત્વ ધારણ કરાવવા માટે અસમર્થ હોઈ તે મીનાના માનસિક પ્રેમી વિકે દ્વારા Artificial Insemination પદ્ધતિથી બાળક મેળવવા પ્રેરે છે. અહી લેખક બાયબલનો સવાલ ટાંકીને મીનાના મનમાં ‘પાપ શું અને પૂણ્ય શું’ એ સત્ય ઠસાવવા પ્રયાસ કરે છે. આમ, સમગ્ર નવલકથામાં ખૂબ જ હૃદયસ્પર્શી માર્મિક ચિત્ર વાચક સમક્ષ ખડું કરી લેખકે અંતિમ નિર્ણય વાચક પર છોડી દઈને નવલકથાને રહસ્યમય બનાવી દીધી છે.

આ નવલકથાની કિંમત $ 17.95 છે અને સર્વત્ર પ્રખ્યાત બુકસ્ટોલો પર ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે આપ લેખકશ્રીનો આ સરનામે સંપર્ક કરી શકો છો : gajjar@mail.com

Categories: News