રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

અરધી સદીની વાચનયાત્રાનો ભાગ-4 પ્રકાશિત

November 20, 2006 · Leave a Comment

ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક વેચાણ ધરાવતા અને અત્યંત લોકપ્રિય એવા પુસ્તક ‘અરધી સદીની વાચનયાત્રા’ નો ભાગ-4 તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકનો ભાગ-1 2003 માં પ્રગટ થયો હતો અને તેની 2006 સુધીમાં 58,500 નકલો છપાઈ હતી. બીજો ભાગ 2004 માં પ્રકાશિત થયો હતો અને તેની 27,000 નકલ છપાઈ હતી. ત્રીજા ભાગની 20,000 નકલ ઑક્ટોબર 2006 સુધીમાં છપાઈ હતી. આમ ચાર વર્ષમાં ત્રણ ભાગ મળીને 1,05,500 નકલો વાચકો વચ્ચે વહેતી થઈ છે. કુલ 480 પાનાનું કદ ધરાવતા આ ભાગ-4 ની કિંમત માત્ર રૂ. 75 છે. (દરેક ભાગની કિંમત 75 રૂ. છે. અને વિદેશમાં $ 8 વિમાની ટપાલ ખર્ચ સાથે છે.)

સત્વશીલ અને સુસાહિત્ય વાચકોને પીરસવાનો ઉમદા હેતુ લઈને આ પુસ્તક પ્રકાશિત કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખરેખર ગુજરાતીઓને સાહિત્યનો ખજાનો આપી દીધો છે. હજી તેમની પાસે બીજા ત્રણ ભાગ વધુ થઈ શકે એટલું સાહિત્ય ભેગું થયેલું છે. પણ તેઓનું કહેવું છે કે ‘આ ચોથા ભાગ સાથે આ વાંચનયાત્રા અહીં જ પૂરી થાય છે કારણકે 84 મા વર્ષે શરીર થાક અનુભવે છે. આંખો અને સ્મૃતિ પણ ઝાંખી પડતી જાય છે. કામ કરવાની શક્તિ પણ ઓસરી રહી છે.’

તેમના આ ઉમદા અને ઉત્તમ કાર્ય બદલ રીડગુજરાતી તરફથી તેમને લાખ લાખ સલામ છે.

આપ આ પુસ્તક કોઈપણ પ્રસિદ્ધ પુસ્તક કેન્દ્ર પરથી મેળવી શકો છો. જો આપને ન મળે તો આ સરનામે લખો : ગોપાલ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પોસ્ટ બોક્સ નંબર 23 (સરદારનગર), ભાવનગર-364001 ફોન : +91 278 2566402 અથવા ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com

Categories: News