બારડોલીમાં થયેલું પુસ્તક વિમોચન

સંસ્કાર વર્તુળ, બારડોલી (જિ. સુરત) ના ઉપક્રમે સાહિત્યકાર પ્રા. રમણ પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં નવોદિત કવિયત્રી સુશ્રી સંધ્યા ભટ્ટના કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’નું વિમોચન સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ કર્યું હતું. આ પ્રસંગે કવિ શ્રી નયન દેસાઈ, શ્રી રવીન્દ્ર પારેખ તથા શ્રી જનક નાયકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં.

વિવિધ વાંચન શિબિરોનું થયેલું આયોજન

ગત માસમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી ‘ગ્રામ ભારતી-અમરાપુર’ (જિ. ગાંધીનગર) ખાતે પાંચ દિવસના વાંચનશિબિરનું આયોજન થયું હતું. આ પ્રસંગે તજજ્ઞો દ્વારા વાંચન પર ભાર મૂકાતાં તેની આવશ્યકતા વિશે ચર્ચા થઈ હતી. સમગ્ર શિબિરનું જમાપાસું એ હતું કે શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી, ભારતીય અને વિશ્વની સાહિત્યની 120 જેટલી કૃતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આત્મન ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી જુદી જુદી ત્રણ સંસ્થાઓમાં વાંચન શિબિરો યોજાઈ હતી. જેનો ગાંધીનગરની વિવિધ કોલેજોના આશરે 400 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. શ્રી મહાવીર જૈન આરાધના ભવન, કોબા (જિ. ગાંધીનગર) ખાતે યોજાયેલી વાચનશિબિરનું ઉદ્દઘાટન અકાદમીના મહામાત્ર શ્રી વી.વી. પંડિતે અને માહિતી નિયામક – કવિ શ્રી ભાગ્યેશ જહાના હસ્તે થયું હતું. આ શિબિરમાં જાણીતા સર્જકો સર્વશ્રી ધ્રુવ ભટ્ટ, પ્રો. પ્રિયકાન્ત પરીખ, યશવંત કડીકર, રવીન્દ્ર ઠાકોર, હરિકૃષ્ણ પાઠક, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, લતા હિરાણી, સુરેશ પરીખ અને મુનિ દવેએ પ્રેરક વકતવ્યો આપ્યાં હતાં.

શ્રી અશ્વિનભાઈ કૉમર્સ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયેલી વાંચનશિબિરમાં શ્રી રમેશ તન્ના અને સુશ્રી પ્રજ્ઞા પટેલે વક્તવ્યો આપ્યાં હતાં. જ્યારે ગુજરાત શૈક્ષણિક તાલીમ ભવન ખાતે થયેલી વાંચનપર્વની ઉજવણીમાં સર્વશ્રી કૃષ્ણ દવે અને શ્રી રાજેન્દ્ર પટેલના વાર્તાલાપો યોજાયા હતા. ત્રણેય વાર્તાશિબિરોનું સંચાલન સુશ્રી પ્રજ્ઞા પટેલે સંભાળ્યું હતું.

‘આપણો સાહિત્ય વારસો’ નામનો કાર્યક્રમ યોજાયો

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ઉપક્રમે ‘આપણો સાહિત્ય વારસો નામનો એક કાર્યક્રમ ગત માસમાં યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી જયંત ગાડીતે પોતાની નવલકથાઓ ‘બદલાતી ક્ષિતિજો’ અને ‘ક્યાં છે ઘર’ ના અંશોનું પઠન કર્યું હતું. આ ઉપરાંત હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે શ્રી રમણભાઈ નીલકંઠની રચનાઓમાંથી પસંદ કરેલી કૃતિઓનું પઠન કર્યું હતું. આ ઉપરાંત સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ન્યુયોર્કમાં ગઝલયાત્રાનો વિશેષ કાર્યક્રમ

ભારતીય વિદ્યા ભવન (યુ.એસ.એ) ના ઉપક્રમે “આદિલથી અંકિત – અમદાવાદથી અમેરિકા – ગઝલયાત્રા” શિર્ષક હેઠળ ગુજરાતી ગઝલના ધબકાર ઝીલતા બે માનીતા ગઝલકારો શ્રી આદિલભાઈ મન્સૂરી તેમજ શ્રી અંકિતભાઈ ત્રિવેદીના કાવ્ય-ગઝલ-પઠન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. 23-સપ્ટેમબર-2006 ના રોજ બરાબર સાંજે 6 વાગે યોજાનારો આ  કાર્યક્રમ ‘ભવન્સ રોમનતી ઓડિટોરિયમ, ભારતીય વિદ્યાભવન, 305  7 એવન્યુ, 17મે માળે, ન્યુયોર્ક-10001 ખાતે રાખવામાં આવ્યો છે. વધુ માહિતી આપ ફોન નંબર 212-989-8383 પર મેળવી શકો છો. આ કાર્યક્રમમાં સૌ કોઈને વહેલા તે પહેલા ધોરણે સાદર આમંત્રણ છે.

બાળસાહિત્યકાર રમણલાલ સોનીનું અવસાન

લોકપ્રિય અને સુપ્રસિદ્ધ બાળ સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીનું તા-20-સપ્ટેમબર-2006 ના રોજ 99 વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું છે. તેમણે કુલ 400 થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો લખ્યા હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બાળ સાહિત્ય સેવા બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સદગતની સ્મશાન યાત્રા આજે તા.21-સપ્ટેમબરના રોજ સવારે 9.00 વાગે તેમના નિવાસસ્થાન ‘સુતરિયા હાઉસ’ , ભાઈકાકા હોલ પાસેથી નીકળીને વી.એસ. હોસ્પિટલ નજીકની હૉસ્પિટલ પહોંચશે જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર અપાશે.

તેમના નિધનથી બાળ ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુ પ્રાર્થના.

ગઝલકાર રાજેન્દ્ર શુક્લને નરસિંહ મહેતા એવોર્ડ

ભગવા રંગના ગઝલકાર અને ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને વર્ષ 2006 આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આગામી શરદપૂનમ તા. 7-ઑકટોબર-2006 ના રોજ જૂનાગઢ ખાતે આયોજિત એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં રૂ. 1.51 લાખનો ચેક, સ્મૃતિચિન્હ અને સન્માનપત્ર અર્પણ કરીને શાલ ઓઢાડીને કવિને બિરદાવવામાં આવશે.

વર્ષો સુધી અધ્યાપનક્ષેત્રે રહ્યા બાદ વર્ગખંડની શિક્ષણપ્રણાલિને તિલાંજલી આપીને સ્વૈછિક નિવૃત્તિ લીધા બાદ કવિ દંપતી રાજેન્દ્ર શુક્લ-નયનાબહેન અમદાવાદમાં સ્થાયી થયા છે. કવિનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘કોમલ રિષભ’-1970માં, બીજો સંચય-‘અંતરગાંધાર’-1981માં તેમ જ તાજેતરમાં પાંચ સંચયનો સંપૂટ ‘ગઝલ સંક્ષિતા’ આપ્યો છે, જેમાં ‘સભર સુરાહી’ , ‘મેઘધનુષના ઢાળ પર’, ‘આ અમે નીકળ્યા’, ‘ઝળહળ પડાવ’ અને ‘ઘિર આઈ ગિરનારી છાયા’ નો સમાવેશ થાય છે.

[‘હલચલ’ સામાયિક -1-સપ્ટે-2006માંથી સાભાર]

ગઝલ સંહિતાઃ ૪૫૦ ગઝલો,પાંચ ભાગમાં,પ્રદાનઃ ૩૦૦ રૂ
સહૃદય પ્રકાશન
૭૧૪, આનંદ મંગલ
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આબાંવાડી, અમદાવાદ – ૩૮૦૦૦૬
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪, ૨૬૪૦૪૩૬૫
મોબાઇલઃ ૦૯૮૯૮૪૨૧૨૩૪, ૦૯૩૨૭૦૨૨૭૫૫

કવિનો સંપર્કઃ
રાજેન્દ્ર શુક્લ
૨૨/૫૨૯, સત્યાગ્રહ છાવણી
જોધપુર ટેકરા,સેટેલાઇટ રોડ
અમદાવાદ- ૩૮૦૦૧૫
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪
ઇમેલઃ jajvalya@yahoo.com

ગુજરાતી લેખકનું સુપ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તક

bookમોટેભાગે એમ બનતું હોય છે કે વિદેશીભાષા તેમજ અનેક અન્યભાષાના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ થઈને ગુજરાતીમાં પ્રકાશન થતું હોય છે, પરંતુ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકો અનુવાદિત થઈ ને અન્ય ભાષામાં સુપ્રસિદ્ધ બને એવી ઘટનાઓ ખૂબ જ જૂજ બનતી હોય છે. ગુજરાતી સાહિત્ય ગૌરવ લે એવી જ એક ઘટના તાજેતરમાં બની છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી જયંતિ એમ. દલાલનું પુસ્તક ‘ORDEAL OF INNOCENCE’ જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. અર્પણ.એ.દેસાઈએ શ્રી દલાલની ગુજરાતી નવલકથા ‘આંખને સગપણ આંસુના’ પરથી કર્યું છે, જેને દેશ-વિદેશમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

‘સુકન્યા’ નામના પાત્રને લઈને લખાયેલી આ કાલ્પનિક કથા – માનવજીવનના વિવિધ રંગો, માનવસંબંધો, ભારતીય સંસ્કૃતિના વિવિધ પરિમાણોને આવરી લે છે. લગ્નજીવન, મિત્રતા, કૌટુંમ્બિક મૂલ્યો વગેરે પર શ્રી દલાલની આ વાર્તા ખૂબ જ વાસ્તવિક અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આ પુસ્તકને દેશ-વિદેશમાં સવર્ત્ર ખૂબ આવકાર સાંપડ્યો છે. આ પુસ્તક અંગે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જણાવે છે કે “એક ગુજરાતી લેખકનું પુસ્તક અંગ્રેજીમાં અને તે પણ અમેરિકા સ્થિત પ્રકાશન કંપની તરફથી છપાય તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. શ્રી દલાલ આ રીતે વધારે પુસ્તકોનો લાભ અંગ્રેજી વાચકોને આપે એવી શુભકામનાઓ”

આ પુસ્તકની વધારે વિગતો તેમજ તેને ખરીદવા માટે આપ www.ivyhousebooks.com અથવા www.amazon.com પર પણ મુલાકાત લઈ શકો છો.

ગુજરાતી વાર્તાઓ અને ભારતીય સંસ્કૃતિનો લાભ અન્ય ભાષાના વાચકોને પણ મળે એ હેતુથી આવું ઉત્તમ કાર્ય કરતા લેખક શ્રી જયંતિભાઈ દલાલને રીડગુજરાતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિદ્વાન સાહિત્યકાર કે.કા.શાસ્ત્રીનું અવસાન

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુજરાતી સાહિત્ય, ઈતિહાસ વગેરે પર અત્યંત અગત્યના સંશોધનો કરીને ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપી છે. તેમને અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજસેવાના કામો ઉપરાંત તેઓ ખૂબ જ સાદું અને સરળ જીવન જીવતા હતા. તેમને મૃત્યુનો અણસાર આવી ગયો હોય એમ તેમણે ડોકટરને બોલાવીને એક પત્ર લખ્યો હતો અને તેમની સ્મશાનયાત્રા અમુક રસ્તેથી પસાર થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.

લંડનમાં ગુજરાતી વાચકો માટે ‘ઓપિનિયન’ માસિક

લંડનમાં છેલ્લા બાર વર્ષથી પ્રગટ થતાં ‘ઓપિનિયન’ માસિક મેગેઝીનની વાચકોમાં લોકપ્રિયતા વધતી જાય છે. આ મેગેઝીનમાં ટૂંકી વાર્તાઓ, કાવ્યો, હાસ્યલેખો, વિવિધ પર્વ પ્રસંગના વિશેષ લેખો વગેરે જેવી અનેક માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. યુ.કે માટે તેના વાર્ષિક લવાજમનો દર 25 પાઉન્ડ તેમજ અન્ય દેશો માટે 40 પાઉન્ડ રાખવામાં આવ્યો છે. છૂટક નકલની કિંમત 2.50 પાઉન્ડ છે. નવોદિત લેખકો પણ તેમાં પોતાના લેખ મોકલી શકે છે. તાજેતરમાં ‘ગુજરાતી લેક્સીકોન’ સાઈટના લોકાપર્ણ પ્રસંગે તેની એક પ્રત ઓનલાઈન મૂકવામાં આવી હતી. વાચકો તે પ્રત નીચેની લીન્ક કલીક કરીને જોઈ શકે છે, તેમજ વધુ માહિતિ માટે તંત્રી શ્રી વિપુલભાઈ કલ્યાણીનો સંપર્ક કરી શકે છે. ગુજરાતી સાહિત્ય માટેના આવા સુંદર કાર્ય બદલ, આદરણીય શ્રી વિપુલભાઈને રીડગુજરાતીની શુભેચ્છાઓ.

http://www.gujaratilexicon.com/newsroom/Opinion_august_2006.pdf

વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ખાતે યાદગાર યોજાયું કવિ સંમેલન

બીજી સપ્ટેમબર, 2006 ની પુરપાટ પવન અને ધોધમાર વરસાદી બપોરે 2:00 ના ટકોરે રેરીટન સેન્ટર, એડિસન, ન્યુજર્સી ખાતે યોજાયેલ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ (વિશ્વ ગુજરાતી સંમેલન) માં 500 થી અધિક કાવ્યરસિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં એક નાનકડું પણ યાદગાર કવિ સંમેલન યોજાયું હતું. લગભગ 100 એક જેટલા શ્રોતાઓએ તો ખુરશીના અભાવે ઊભા ઊભા કાવ્ય, ગઝલોનો આસ્વાદ માણ્યો હતો.

ગુજરાત ટાઈમ્સ  સાપ્તાહિકના સહાયક તંત્રી શ્રી હસમુખભાઈ બારોટે કાર્યક્રમનું સુંદર  અને કુશળ સંચાલન કર્યું હતું. કવિ શ્રી અંકિત ત્રિવેદીએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી. સર્વ કવિઓએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજુ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા તેમાંય શ્રી આદિલભાઈ મન્સૂરીની ગઝલોની વેધક રજૂઆત શ્રોતાઓના હૃદય અને પાંપણોને સ્પર્શી ગઈ હતી. અમેરિકન ગુજરાતી કાવ્ય જગતમાં કાવ્યોમાં નીતરતી આ બપોર લાંબા સમય સુધી શ્રોતાઓની સ્મૃતિના પાલવને ભીનો ભીનો રાખશે તેવી લાગણી બધાએ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે વર્લ્ડ કોન્ફરન્સ ખાતે યોજાયેલ આ કાવ્યસંમેલન નો એક ફોટોગ્રા, જેમાં ડાબેથી છે  : શ્રી વિજય શાહ, શ્રી હસમુખ બારોટ, શ્રી ધીરુ પરીખ, શ્રી આદિલમન્સૂરી, શ્રી રોહિત પંડ્યા, શ્રી હરનિશ જાની, શ્રી રસિક મેઘાણી, શ્રી નટવર ગાંધી. બેઠેલાઓમાં : શ્રીમતી પન્ના નાયક, શ્રીમતી બિસ્મિલ મન્સૂરી, શ્રીમતી રશીદા દામાણી (તસ્વીર : અલી ઈમરાન મનસૂરી)

world conference