‘સ્મશાનમાં સ્વયંવર’ પુસ્તકનો લોકાપર્ણ સમારોહ

invitation

ગાંધીનગરના સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી ચિત્રસેનભાઈ શાહ દ્વારા લિખિત હાસ્યલેખોના પુસ્તક ‘સ્મશાનમાં સ્વયંવર’ નો લોકાપર્ણ સમારોહ તા. 3 જી ડિસેમ્બરના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે ઑડિટોરિયમ સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, ચ-5, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ છે.

આ પ્રસંગે ગાંધીનગર સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ જહા સમારંભના પ્રમુખ તરીકેનું પદ શોભાવશે તેમજ અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્ય લેખક શ્રી રતિલાલ બોરીસાગર ઉપસ્થિત રહેશે.

આ પુસ્તકના પ્રકાશનની શુભેચ્છા પાઠવતા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ‘લોકોને વ્યસ્ત અને તનાવપૂર્ણ જિંદગીમાં હળવાશ માટે ધ્યાન અને લાફિંગ કલબ સારું માધ્યમ બની શકે છે, તો હાસ્ય કલાકારોની રમૂજી વાતો તથા હાસ્યરસ પીરસતા હાસ્યલેખો અને હાસ્ય-કટાક્ષપૂર્ણ પુસ્તકો પણ લોકોને હળવાશનો અહેસાસ કરાવે છે. અને આવા જ હાસ્ય-કટાક્ષ પ્રકારનું આ ‘સ્મશાનમાં સ્વયંવર’ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તે આનંદની વાત છે. આ પુસ્તક લોકોને તનાવમુકત કરવામાં ઉપયોગી થશે તેવી શ્રદ્ધા સાથે આપને શુભેચ્છા પાઠવું છું.’

આ અગાઉ આપણે રીડગુજરાતી પર પણ તેમાંનો લેખ માણ્યો હતો. http://rdgujarati.wordpress.com/2006/09/11/smashan-swayamvar/

શ્રી ચિત્રસેનભાઈ શાહને રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Advertisements

અરધી સદીની વાચનયાત્રાનો ભાગ-4 પ્રકાશિત

ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક વેચાણ ધરાવતા અને અત્યંત લોકપ્રિય એવા પુસ્તક ‘અરધી સદીની વાચનયાત્રા’ નો ભાગ-4 તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકનો ભાગ-1 2003 માં પ્રગટ થયો હતો અને તેની 2006 સુધીમાં 58,500 નકલો છપાઈ હતી. બીજો ભાગ 2004 માં પ્રકાશિત થયો હતો અને તેની 27,000 નકલ છપાઈ હતી. ત્રીજા ભાગની 20,000 નકલ ઑક્ટોબર 2006 સુધીમાં છપાઈ હતી. આમ ચાર વર્ષમાં ત્રણ ભાગ મળીને 1,05,500 નકલો વાચકો વચ્ચે વહેતી થઈ છે. કુલ 480 પાનાનું કદ ધરાવતા આ ભાગ-4 ની કિંમત માત્ર રૂ. 75 છે. (દરેક ભાગની કિંમત 75 રૂ. છે. અને વિદેશમાં $ 8 વિમાની ટપાલ ખર્ચ સાથે છે.)

સત્વશીલ અને સુસાહિત્ય વાચકોને પીરસવાનો ઉમદા હેતુ લઈને આ પુસ્તક પ્રકાશિત કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખરેખર ગુજરાતીઓને સાહિત્યનો ખજાનો આપી દીધો છે. હજી તેમની પાસે બીજા ત્રણ ભાગ વધુ થઈ શકે એટલું સાહિત્ય ભેગું થયેલું છે. પણ તેઓનું કહેવું છે કે ‘આ ચોથા ભાગ સાથે આ વાંચનયાત્રા અહીં જ પૂરી થાય છે કારણકે 84 મા વર્ષે શરીર થાક અનુભવે છે. આંખો અને સ્મૃતિ પણ ઝાંખી પડતી જાય છે. કામ કરવાની શક્તિ પણ ઓસરી રહી છે.’

તેમના આ ઉમદા અને ઉત્તમ કાર્ય બદલ રીડગુજરાતી તરફથી તેમને લાખ લાખ સલામ છે.

આપ આ પુસ્તક કોઈપણ પ્રસિદ્ધ પુસ્તક કેન્દ્ર પરથી મેળવી શકો છો. જો આપને ન મળે તો આ સરનામે લખો : ગોપાલ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પોસ્ટ બોક્સ નંબર 23 (સરદારનગર), ભાવનગર-364001 ફોન : +91 278 2566402 અથવા ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com

ગ્રંથાલય સપ્તાહની સમગ્ર ગુજરાતમાં થયેલી ઉજવણી

તા. 14-નવેમ્બરથી તા. 21 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ‘ગ્રંથાલય સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્યના તમામ સરકારી પુસ્તકાલયોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા.

અત્રે વડોદરા સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે માનનીય રાજ્ય ગ્રંથપાલ શ્રી એમ. આઈ. શેખ સાહેબે ઉપસ્થિત રહીને આ સપ્તાહનો શુભારંભ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન પુસ્તક પ્રદર્શન ને લગતા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત બાળકો માટે ફુગ્ગા હરીફાઈ, ચિત્ર સ્પર્ધા અને બહેનો માટે મીણબત્તી હરિફાઈ અને રસોઈ શૉ જેવા કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અંતે સ્પર્ધાના વિજેતાઓને યથાશક્તિ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

લંડન ખાતે કવિશ્રી અનિલ જોશી સાથે એક બેઠકનું આયોજન

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડન તેમજ બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ દ્વારા સંયુક્ત પણે વેમલી ખાતે ગુજરતી સાહિત્યના અગ્રણી કવિ, નિબંધકાર અને વિવેચક શ્રી અનિલ જોશી ના સાંન્નિધ્યમાં એક જાહેર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક શનિવાર, તા. 2 ડિસેમ્બર 2006 ના રોજ બપોરે બરાબર અઢી વાગે Brent Town Hall, Forty Lane, WEMBLEY, Middlesex HA9 9HV ખાતે રાખવામાં આવી છે. આ અવસરે લંડનના તમામ ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને સાદર આમંત્રણ છે.

ગઝલકારો શ્રી રતિલાલ અને શ્રી રાંદેરીને ‘વલી’ એવોર્ડ

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના પ્રથમ ઉર્દૂ શાયર શ્રી ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ‘વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર’ ની સ્થાપના કરી છે. આ કેન્દ્રની સલાહકારસમિતિના અધ્યક્ષ માન. મંત્રીશ્રી, શિક્ષણ, રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ વયોવૃદ્ધ, ગઝલકાર શ્રી રતિલાલ ‘અનિલ’ તથા 103 વર્ષની ઉંમરે પહોંચેલા ગઝલકાર શ્રી ‘આસિમ’ રાંદેરીને મૂર્ધન્ય ગઝલકાર તરીકેનો ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

આ ઍવૉર્ડમાં બન્ને મૂર્ધન્ય ગઝલકારોને રૂ. 1 લાખ, શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ છે. ગુજરાતી ગઝલ પરંપરાના મહત્વના સીમાચિન્હ રૂપ આ ગઝલકારોને તા. 31-10-2006 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે જાહેર સમારંભ યોજીને રાજ્યકક્ષાના અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

કવિ શ્રી સતીશ ડણાકને ‘ઉમાશંકર જોષી’ એવોર્ડ

કવિ-વિવેચક, સાહિત્ય સંસ્થાઓ ‘અક્ષરા’ અને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ ના ટ્રસ્ટી શ્રી સતીશ ડણાકને નડીયાદની ‘હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા’ દ્વારા તેમના કાવ્ય સંગ્રહ ‘માછલીની આંખમાં આકાશ’ માટે સન 2006ના વર્ષનો શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ માટે અપાતો ‘ઉમાશંકર જોષી’ એવોર્ડ આપવામાં આવનાર છે. સતીષ ડણાકના અત્યાર સુધીમાં કવિતા, નિબંધ, વિવેચન અને સંપાદનના 18 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. વિશ્વભરમાં પ્રકાશિત થયેલા વિવિધ ‘હૂઝ હૂ’ માં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાનની નોંધ લેવામાં આવી છે. અત્રે એ જણાવતા આનંદ થાય છે કે તેઓ શ્રી ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006’ ના નિર્ણાયક પણ રહી ચૂક્યા છે. તેમને આ એવોર્ડ બદલ રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.

લગ્ન પ્રસંગ માટે ‘મંગલપોથી’ નામનું હસ્તલિખિત પુસ્તક

દેવઊઠી એકાદશીથી આપણે ત્યાં લગ્નની મોસમ શરૂ થાય છે. આજકાલના લગ્ન પ્રસંગોમાં ખૂબ ટૂંકા સમયમાં ઘણીબધી તૈયારીઓ કરવી પડતી હોય છે અને શક્ય છે કે તેમાં કોઈ કામકાજ ભૂલી જવાય છે અથવા તો ધ્યાન બહાર નીકળી જાય છે.

બોરીવલી (મુંબઈ)ના શ્રી રજનીભાઈએ આ બાબતને ધ્યાનમાં લઈને લગ્ન પ્રસંગે કરવા માટેની જરૂરી તમામ તૈયારીને લગતું એક પુસ્તક બનાવ્યું છે જેને ‘મંગલપોથી’ એવું સુંદર નામ આપ્યું છે. હકિકતમાં આ કોઈ પુસ્તક નથી પરંતુ એક પ્રકારની ‘લગ્ન પોથી’ જ છે. આ લગ્નપોથી સંપૂર્ણપણે હસ્તલિખિત છે. તેમાં માંગલિક પ્રસંગોનો ક્રમ, લગ્ન પ્રસંગે આવેલા ચાંલ્લાની યાદી માટે દોરીને આપેલા કોષ્ટકો, સગાસંબંધી તરફથી કવર-ભેટ વગેરેની યાદી, વરપક્ષ તરફથી થયેલો વ્યવહાર, કન્યાપક્ષ તરફ કરેલો વ્યવ્હાર, લગ્નપ્રસંગના અતિથી ઈતિસુધીના તમામ ખર્ચ લખવા માટેના કોષ્ટકો, લગ્ન અંગેની પૂર્વ તૈયારીઓ, વિવાહ-લગ્ન પ્રસંગે લઈ જવાની વસ્તુઓની યાદીઓ, ચોઘડિયા વગેરેની માહિતિ વચ્ચે વચ્ચે કોરા પાનાઓ સહિત આપવામાં આવી છે. આ પોથીમાં પેનથી દોરેલા કોષ્ટકો તૈયાર જ હોય છે જેથી જેના ઘરે શુભ પ્રસંગ લેવાનો હોય તેને આ બધી તૈયારીમાં સમય જતો નથી અને આ પ્રકારની તૈયાર પોથી પ્રાપ્ત કરી તેનો ઉપયોગ કરી શકાય છે.

વાચકોમાંથી કોઈને આ પ્રકારની પોથી ની જરૂરિયાત હોય તો તેઓ શ્રી રજની ભાઈનો આ સરનામે સંપર્ક કરી શકે છે : ( રજનીભાઈ. આર. શાહ, જે-002 એકતા ભૂમિ ગાર્ડન, દત્તપાડા રોડ, બોરીવલી (ઈસ્ટ) મુંબઈ-400 066. ફોન : +91 22 28702856) રીડગુજરાતીનો એ પ્રયાસ રહ્યો છે કે આવી કોઈ સર્જનાત્મક વસ્તુ લોકઉપયોગી બની શકે તો સર્જકની કલાને વધારે પ્રોત્સાહન મળે. આ પ્રકારની પોથી ભારતમાં સૌપ્રથમ વાર બની છે.